સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

દેશ-વિદેશ

મતદાર યાદીમાં નામ ઉમેરવા ખાસ ઝુંબેશ: બીએલઓ ઘરે ઘરે આવીને યુવાનો અને બાકી રહેલા લોકોના ફોર્મ ૬ ભરશે

ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીમાંથી બાકી રહી ગયેલા લોકો અને યુવાનો માટે ખાસ ઝુંબેશની જાહેરાત કરી છે, જેમાં બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવશે.

ચિત્રાત્મક રજૂઆત: મતદાર યાદીમાં નામ નોંધણી માટે ઘરે ઘરે જઈને ફોર્મ ભરતા બીએલઓ
ચિત્ર: AI

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીમાંથી બાકી રહી ગયેલા અને પહેલી વાર મત આપવા પાત્ર યુવાનો માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ચૂંટણી પંચે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને મુખ્ય ચૂંટણી અધિકારીઓને આ અંગે તાત્કાલિક કામગીરી શરૂ કરવા સૂચના આપી છે.

ખાસ સુધારણા કાર્યક્રમ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પૂરો થયા પછી પણ ઘણા લોકોનાં નામ મતદાર યાદીમાં નોંધાવવાના બાકી રહી ગયા હોય અથવા તો યાદીમાંથી નામ કમી થઈ ગયા હોય, તેવા મતદારોને શોધીને ફરી નામ ઉમેરવા આ અભિયાન હાથ ધરાશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર તરીકે નામ નોંધાવવું એ સતત ચાલતી પ્રક્રિયા છે અને કોઈપણ નાગરિક ગમે ત્યારે નામ નોંધાવવા અરજી કરી શકે છે.

બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ૬ ભરાવશે

ચૂંટણી પંચની સૂચના મુજબ બૂથ લેવલ ઓફિસર (BLO) જૂની અને નવી મતદાર યાદીની સરખામણી કરશે. અગાઉની યાદીમાં નામ હોય પણ હાલની યાદીમાંથી નીકળી ગયું હોય તેવા મતદારોની યાદી તૈયાર કરવામાં આવશે.

ત્યારબાદ બીએલઓ આ મતદારોના ઘરે રૂબરૂ જશે અને સ્થિતિ જાણીને પાત્રતા ધરાવતા લોકો પાસે ફોર્મ નંબર ૬ ભરાવશે. સાથે જ જે યુવાનો પહેલી વાર મતદાર બનવા પાત્ર થયા છે અથવા કોઈ કારણસર નામ નોંધાવવાનું ચૂકી ગયા છે, તેમનું પણ ઘરે બેઠા ફોર્મ ૬ ભરાવવામાં આવશે. આ કામગીરી લગભગ એક મહિનામાં પૂરી કરવા માટે દરેક બીએલઓને દર અઠવાડિયે ઓછામાં ઓછા ૨૦થી ૨૫ મતદારોના ઘરની મુલાકાત લેવા જણાવાયું છે.

બૂથ પર સ્પેશિયલ કેમ્પ પણ યોજાશે

બીએલઓ દ્વારા તૈયાર કરાયેલી યાદી અને ભરેલા ફોર્મ ફિલ્ડ વેરિફિકેશન રિપોર્ટ સાથે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO)ને સોંપવામાં આવશે. આ ઉપરાંત મતદારોની સુવિધા માટે બૂથ લેવલ પર સ્પેશિયલ કેમ્પ પણ ગોઠવવામાં આવશે. નાઇટ શેલ્ટર, મજૂર વસાહતો અને ઘરવિહોણા કે વંચિત વર્ગના લોકો માટે પણ નામ નોંધણીના ખાસ કેમ્પ યોજવાની સૂચના અપાઈ છે.

શાળા-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓ તેમજ સ્વીપ (SVEEP) અભિયાન દ્વારા યુવાનોમાં નામ નોંધણી અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે જેથી કોઈ પણ લાયક નાગરિક મત આપવાના અધિકારથી વંચિત ન રહે.