સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

7 ઑક્ટોબર

સૌરાષ્ટ્ર

અમદાવાદમાં ૬,૫૦૦ વિદ્યાર્થીઓએ રચી ભવ્ય માનવ રંગોળી: સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ ૬,૫૦૦ વિદ્યાર્થીઓએ સાત રંગોમાં ભારત દર્શાવતી માનવ રંગોળી રચી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી વિદ્યાર્થીઓને બિરદાવ્યા.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે માનવ રંગોળી કાર્યક્રમમાં પ્રમાણપત્ર એનાયત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
માહિતી વિભાગ, ગુજરાત સરકાર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાયેલા ભવ્ય માનવ રંગોળી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની જનસેવા, સુશાસન અને સમર્પણની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ થીમ સાથે આ આયોજન કરાયું હતું.

અમદાવાદ મહાનગરપાલિકા અને એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની સ્કૂલો, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓના આશરે ૬,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી માનવ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો.

સાત રંગોમાં ભારતનો નકશો કંડારાયો

કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ મેઘધનુષના સાત રંગો—કેસરી, પીળો, લાલ, જાંબલી, લીલો, વાદળી અને સફેદ રંગના ટી-શર્ટ પહેરીને જુદા જુદા જૂથોમાં ગોઠવાઈ ભારત માતાના નકશા આકારની આકર્ષક માનવ રંગોળી રચી હતી. વિદ્યાર્થીઓના સામૂહિક શિસ્ત અને સર્જનાત્મકતાને મુખ્યમંત્રીએ વખાણ્યા હતા અને સહભાગીઓને પ્રમાણપત્રો પણ એનાયત કર્યાં હતાં. રંગોળી રચના બાદ માં અંબાની આરાધનામાં ગરબાનું આયોજન થયું હતું, જેનાથી માહોલ ભક્તિમય બની ગયો હતો.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા અને હસમુખ પટેલ, ધારાસભ્ય અમિત ઠાકર, દિનેશસિંહ કુશવાહા, જીતુ પટેલ, હર્ષદ પટેલ, અમુલ ભટ્ટ, ડો. હસમુખ પટેલ, કૌશિક જૈન, કંચનબેન રાદડિયા, ડેપ્યુટી મેયર અંજુ શાહ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના આગેવાનો, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વધુ વિગત મુખ્યમંત્રી કાર્યાલયની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે.