રાજકોટ-કનાલુસ રેલવે ડબલિંગ: જામનગરના ચાવડા ગામમાં જમીન સંપાદનનું આખરી જાહેરનામું બહાર પડ્યું
રાજકોટ-કનાલુસ બ્રોડગેજ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ માટે જામનગર ગ્રામ્યના ચાવડા ગામમાં ૭૩૦ ચોરસ મીટર જમીન સંપાદન અંગેનું કલમ ૨૦(ઇ) હેઠળ આખરી નોટિફિકેશન કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે.

પશ્ચિમ રેલવેએ રાજકોટ-કનાલુસ બ્રોડગેજ રેલવે લાઇનના ડબલિંગ પ્રોજેક્ટ માટે જામનગર ગ્રામ્ય તાલુકાના ચાવડા ગામમાં જમીન સંપાદનની આખરી જાહેરાત કરી દીધી છે. રેલવે મંત્રાલયે રેલવે અધિનિયમ, ૧૯૮૯ની કલમ ૨૦(ઇ) હેઠળ આ અંગેનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન પ્રસિદ્ધ થતાં જ નિર્ધારિત જમીન તમામ બોજાઓમાંથી મુક્ત થઈને સીધી કેન્દ્ર સરકાર હસ્તક આવી ગઈ છે.
કેન્દ્ર સરકારે રાજકોટ-કનાલુસ સિંગલ બ્રોડગેજ રેલ લાઇનના દોહરીકરણ (ડબલિંગ) માટે સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટના અમલ, જાળવણી, વ્યવસ્થાપન અને સંચાલન માટે અગાઉ રેલવે મંત્રાલયે રેલવે અધિનિયમની કલમ ૨૦-એ(૧) હેઠળ ૨૯ જૂન ૨૦૨૬ના રોજ અધિસૂચના બહાર પાડી જમીન સંપાદનનો ઈરાદો જાહેર કર્યો હતો, જે ૩ જુલાઈ ૨૦૨૬ના ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ હતી.
કોઈ વાંધો ન આવતાં જમીન કેન્દ્ર સરકાર હસ્તક ગઈ
અગાઉની અધિસૂચનાનો સાર ૪ ઓગસ્ટ ૨૦૨૬ના 'સંદેશ' દૈનિક અને ૫ ઓગસ્ટ ૨૦૨૬ના 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક સમાચારપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમયગાળામાં સક્ષમ અધિકારી સમક્ષ જમીન અંગે કોઈ વાંધો (ઓબ્જેક્શન) નોંધાયો નહોતો.
વાંધા ન મળતાં સક્ષમ પ્રાધિકારીએ રેલવે એક્ટની કલમ ૨૦(ઇ)(૧) મુજબ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલ મળ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કલમ ૨૦(ઇ)(૨) હેઠળ આખરી ઘોષણા કરી છે કે નોટિફિકેશન ગેઝેટમાં પ્રસિદ્ધ થતાં જ આ જમીન તમામ બોજાઓમાંથી મુક્ત થઈને સંપૂર્ણપણે કેન્દ્ર સરકારમાં નિહિત (હસ્તક) થઈ ગઈ છે.
ચાવડા ગામના સર્વે નંબરની વિગત
ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયેલી અનુસૂચિ મુજબ સંરચના સહિત કે સંરચના વગર લેવાયેલી જમીનની વિગત:
- જિલ્લો: જામનગર
- તાલુકો: જામનગર (ગ્રામ્ય)
- ગામ: ચાવડા
- સર્વે નંબર: ૬૪/૧
- ૭/૧૨ મુજબ ખાતેદારનાં નામ: મગનભાઈ માધાભાઈ કોઠીયા અને ઘનશ્યામભાઈ માધાભાઈ કોઠીયા
- સંપાદિત કરાયેલી જમીનનું ક્ષેત્રફળ: ૭૩૦.૦૦ ચોરસ મીટર
આ નોટિફિકેશન પશ્ચિમ રેલવે (કન્સ્ટ્રક્શન ઓર્ગેનાઇઝેશન)ના મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (કન્સ્ટ્રક્શન) રાજેન્દ્ર કુમારના નામે જાહેર થયું છે.
આ અંગેની વિગત સત્તાવાર ગેઝેટ નોટિફિકેશનમાં જોઈ શકાય છે.


