GSSSB સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશ મુખ્ય પરીક્ષાની અરજી ઓજસ પર શરૂ થશે
મુખ્ય પરીક્ષા માટે ઓજસ પર તા.૨૬/૦૯/૨૦૨૬થી ૦૪/૧૦/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે. પરીક્ષા ફી ભરવાની નથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) જા.ક્ર.૩૨૬/૨૦૨૫૨૬ હેઠળ સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોએ ઓજસ પર ઓનલાઇન અરજી કરવાની જાહેરાત કરી છે. અરજી તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યાથી શરૂ થશે અને તા.૦૪/૧૦/૨૦૨૬ના રાત્રે ૧૧:૫૯ સુધી ભરી શકાશે.
માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની જિલ્લા માહિતી નિયામકશ્રીની કચેરીમાં આ સંવર્ગની કુલ ૪૯ જગ્યા ભરાવાની છે. પ્રાથમિક પરીક્ષામાં મળેલા ગુણના આધારે કેટેગરીવાર જગ્યા પ્રમાણે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી તા.૧૯/૦૬/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ યાદીમાં સ્થાન મળેલા ઉમેદવારોએ જ મુખ્ય પરીક્ષાની અરજી કરવાની છે.
અરજી કેવી રીતે કરવી
ઉમેદવારે સૌથી પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. પછી Call Letter/Preference મેનૂમાં જઈને Secondary Exam Call Letter/Preferenceનો વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ ખૂલતી સ્ક્રીનમાં Select Jobમાં પોતાની જાહેરાત પસંદ કરી કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખવાની રહેશે. Captcha Code દાખલ કરી Ok પર ક્લિક કરવાથી મુખ્ય પરીક્ષાનું અરજી પત્રક ખૂલશે.
અરજી પત્રકમાં નામ, સરનામું, મોબાઇલ નંબર જેવી મૂળ વિગતોમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. ઉમેદવારે માત્ર વિધિ અંગે અને સ્ક્રાઈબ (લેખક)ની સુવિધા મેળવવા અંગેના વિકલ્પો ભરવાના રહેશે. બાંયધરી વાંચીને Yes પર ક્લિક કરી Save and Lock Data પર ક્લિક કરવાનું છે. પછી મોબાઇલ કે ઇમેઇલ પર મળેલો OTP એન્ટર કરી Save and Lock Data પર જ ક્લિક કરવાનું છે. એકવાર લોક થઈ જાય પછી ફોર્મમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. Print Main Application Form પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની રહેશે.
નોંધ લેવા જેવી વાતો
- મુખ્ય પરીક્ષા માટે કોઈ પરીક્ષા ફી ભરવાની નથી.
- ડિગ્રી કે ડિપ્લોમાની પરીક્ષા આપેલી હોય પણ રિઝલ્ટ હજી ન આવ્યું હોય એવા ઉમેદવારોએ તા.૦૪/૧૦/૨૦૨૬ સુધીમાં નિયત શૈક્ષણિક લાયકાત પૂરી થયેલી હોવી જોઈશે.
- મંડળના રિઝલ્ટ અને પરીક્ષા કેલેન્ડરમાં આ પરીક્ષાનો માસ સપ્ટેમ્બર-૨૦૨૬ દર્શાવેલો હતો, પણ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતાને કારણે મુખ્ય પરીક્ષા હવે તા.૨૧/૧૦/૨૦૨૬ થી ૨૩/૧૦/૨૦૨૬ દરમિયાન યોજાશે. તારીખવાર કાર્યક્રમ નવેસરથી પ્રસિદ્ધ થશે.
- લોક થયેલી અરજીઓની ચકાસણી ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને તા.૧૯/૦૭/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલી મૂળ જાહેરાતની જોગવાઈઓ મુજબ થશે. આ ચકાસણી મુખ્ય પરીક્ષા પછી પણ થઈ શકે અને લાયકાત ન સંતોષતા ઉમેદવારની અરજી કોઈ પણ તબક્કે રદ થઈ શકે છે.
મંડળે જણાવ્યું છે કે મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો અને તે માટે કારણ આપવાનો અધિકાર મંડળ પાસે રહેશે. અરજી અંગેની આખી વિગત માટે મંડળની અગત્યની જાહેરાત અહીંથી વાંચી શકાશે.



