સરહદી જિલ્લાઓમાં સુરક્ષા મજબૂત કરવા ગાંધીનગરમાં સમીક્ષા બેઠક: ઘૂસણખોરી અને ડ્રગ્સ સામે કડક પગલાં લેવા આદેશ
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની બેઠકમાં ઘૂસણખોરી, ડ્રગ્સ અને સરહદી વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે સતત કાર્યવાહી કરવા સૂચના અપાઈ.

ગાંધીનગરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ‘ગુજરાત ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ગ્રીડ’ની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ઘૂસણખોરી, ડ્રગ્સ તથા ગેરકાયદે દબાણો સામે સતત નજર રાખવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય પહેલાં કચ્છના ભુજ ખાતે મળેલી બેઠકમાં સરહદી સુરક્ષા માટે આ ગ્રીડનો વિચાર મૂક્યો હતો. તેમાં ચાર સ્તંભ નક્કી કરાયા છે: સીમા સુરક્ષા દળો, કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નાગરિકો.
'વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઇન ઓફ એક્શન' હેઠળ સમીક્ષા
ગાંધીનગરની બેઠકમાં 'વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઇન ઓફ એક્શન' હેઠળ સરહદી જિલ્લાઓમાં સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવા ચર્ચા થઈ હતી. સીમાવર્તી વિસ્તારોમાં છ મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:
- ઘૂસણખોરી રોકવી
- નશીલા દ્રવ્યો (નાર્કોટિક્સ) ની હેરાફેરી અટકાવવી
- વસ્તી સંતુલન (પોપ્યુલેશન બેલેન્સ)
- આર્થિક ગુનાઓ સામે કાર્યવાહી
- સરહદી સુરક્ષા વ્યવસ્થાની સતત દેખરેખ
- ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચેના સંકલનથી કામગીરી ચાલી રહી છે. દરેક વિભાગની ૩૬૦ ડિગ્રી સર્વેલન્સ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીને ગેરકાયદે પ્રવૃત્તિઓ, ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને સરહદી વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવો પડશે કે ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં.
ગેરકાયદે દબાણો હટાવવાનું કામ અટકવું ન જોઈએ: હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોનું કામ સામાન્ય સરકારી કામ કરતાં અલગ છે. તેને માત્ર વ્યવસ્થાકીય જવાબદારી ગણવાને બદલે ઉત્સાહી અને સમર્પિત કર્મચારીઓને જોડીને પરિણામલક્ષી કામગીરી સમયસર કરવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ પરસ્પર સંકલન સાથે એક થઈને કામ કરે અને સરહદી વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કોઈ પણ સંજોગોમાં અટકવી ન જોઈએ તેવી સૂચના તેમણે આપી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો અને અગ્ર સચિવો, રાજ્ય પોલીસ દળના ડીજીપી, એડીજીપી અને રેન્જ આઈજી સ્તરના અધિકારીઓ તેમજ સરહદી જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) હાજર રહ્યા હતા.



