સાબરમતી જેલમાં ભૂપેન્દ્ર પટેલ, કેદીઓ સાથે વાતચીત કરી 'વૈષ્ણવ જન તો' નું ભજન સાંભળ્યું
વડાપ્રધાન મોદીની 25 વર્ષની જનસેવાની ઉજવણી અંતર્ગત 'સેવા સંકલ્પ અભિયાન' ના ભાગરૂપે મુખ્યમંત્રી જેલ ગયા, કેદીઓએ બનાવેલી પ્રોડક્ટ પણ ખરીદી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 સપ્ટેમ્બરે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી અને કેદીઓ સાથે વાતચીત કરી. આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે થઈ.
'વૈષ્ણવ જન તો' ના ભજન પર કહી સંયમની વાત
કેદીઓએ મુખ્યમંત્રી સામે 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે…' નું ભજન ગાયું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ ભજનની વાતો જીવનમાં ઉતારીને ખરા અર્થમાં વૈષ્ણવ બનવું જોઈએ. તેમણે કહ્યું કે નાની ભૂલ પણ ગંભીર પરિણામ લાવે છે, જે માત્ર વ્યક્તિને જ નહીં પણ આખા પરિવારને અસર કરે છે. એટલે સૌએ સંયમનો માર્ગ પકડવો જોઈએ.
તેમણે કેદીઓ સાથે હળવા કિસ્સા પણ કર્યા અને કહ્યું કે જેલમાં બનતા પ્રોડક્ટ લોકો વાપરે છે અને અહીં બનતા ભજીયા પણ ગમે છે. વડાપ્રધાન આખો દેશ પોતાનું પરિવાર માને છે, તેમ રાજ્ય સરકાર પણ કેદીઓને જરૂરી સુવિધા મળે તેની કાળજી લે છે, એમં પણ કહ્યું. તેમણે કેદીઓને 'સેવા સંકલ્પ અભિયાન'માં ફાળો આપવા ભીમો કર્યા.
સ્કિલ સેન્ટરની મુલાકાત, કેદીઓની બનાવેલી પ્રોડક્ટ ખરીદી
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કેદીઓમાં ફળ વહેંચ્યાં. કેદીઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવેલા કોમ્પ્યુટર સેન્ટર, સુથારકામ, વણાટ અને બુક-બાઈન્ડિંગ સેન્ટરમાં પણ ગયા અને અહીં ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણ્યું. જેલમાં કેદીઓએ બનાવેલી વિવિધ પ્રોડક્ટ પણ ખરીદી.
તેમણે જેલના તે રૂમ પણ જોયા જ્યાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારજ અને રસિકલાલ પરીખ રહ્યા હતા.
મુખ્યમંત્રી સાથે આ મુલાકાતમાં રાજ્યના ડીજીપી અને જેલ વિભાગના વડા ડૉ. કે.એલ.એન. રાવ, મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિક્રાંત પાંડે, સાબરમતી જેલના સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
(સ્રોત: મુખ્યમંત્રી કચેરી, ગુજરાત સરકાર)



