GSSSB વનપાલ વર્ગ-૩ની ફાઇનલ આન્સર કી જાહેર: પ્રશ્નોના જવાબોમાં કોઈ ફેરફાર નહીં, માર્કિંગ નિયમ સ્પષ્ટ કર્યા
ગૌણ સેવા પસંદગી મંડળે વનપાલ વર્ગ-૩ની ફાઇનલ આન્સર કી અંગે સૂચના બહાર પાડી; વાંધાઓની ચકાસણી બાદ જવાબોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વનપાલ વર્ગ-૩ (ખાસ દિવ્યાંગ ભરતી ઝુંબેશ) સંવર્ગની CBRT પરીક્ષાની ફાઇનલ આન્સર કી અંગે સત્તાવાર સૂચના જાહેર કરી છે. વન અને પર્યાવરણ વિભાગ હસ્તકના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સની કચેરી હેઠળ વનપાલ વર્ગ-૩ની કુલ ૧૫ જગ્યાઓની સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક ૪૦૬/૨૦૨૫૨૬ બહાર પાડવામાં આવી હતી.
આ ભરતી માટે મંડળે કોમ્પ્યુટર આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા (CBRT) યોજી હતી, જેમાં ૧૦૦ પ્રશ્નો પૂછાયા હતા. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડ્યા પછી ઉમેદવારો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
જવાબોમાં કોઈ ફેરફાર નહીં
પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો તરફથી મળેલા વાંધા-સૂચનો અને મંડળ દ્વારા વિષય નિષ્ણાતો પાસે તમામ ૧૦૦ પ્રશ્નોની ફરી ચકાસણી કરાવવામાં આવી હતી. આ ચકાસણી બાદ કોઈ પણ પ્રશ્નના જવાબમાં ફેરફાર કરવાનો રહેતો નથી તેવું મંડળે સ્પષ્ટ કર્યું છે.
માર્કિંગ પદ્ધતિ કેવી રહેશે
પરીક્ષામાં કુલ ૧૦૦ પ્રશ્નો માટે પ્રત્યેક પ્રશ્નના ૨ માર્ક્સ મુજબ કુલ ૨૦૦ માર્ક્સની ગણતરી થશે.
- દરેક સાચા જવાબ માટે +૨.૦૦૦૦૦ માર્ક્સ ગણવામાં આવશે.
- દરેક ખોટા જવાબ માટે -૦.૨૫૦૦૦ માર્ક્સ કાપવામાં આવશે.
ઉમેદવારો આ વિગતો ધ્યાને રાખીને પોતાના માર્ક્સની ગણતરી કરી શકશે. વધુ વિગતો મંડળની સત્તાવાર વેબસાઇટ પરથી જોઈ શકાશે.



