GSSSB: પ્રયોગશાળા મદદનીશ પરીક્ષાના ગુણ જાહેર, ૭,૬૭૭ ઉમેદવારોની માર્ક્સ યાદી પ્રસિદ્ધ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પ્રયોગશાળા મદદનીશની ૪૪ જગ્યાઓ માટે લેવાયેલી કમ્પ્યુટર પરીક્ષામાં હાજર રહેલા ૭,૬૭૭ ઉમેદવારોના માર્ક્સની યાદી જાહેર કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પ્રયોગશાળા મદદનીશ (વર્ગ-૩) સંવર્ગની કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોના ગુણ ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેર કર્યા છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ગુજરાત ઇજનેરી સંશોધન કચેરી હસ્તકની કુલ ૪૪ જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ હતી.
પરીક્ષામાં હાજર રહેલા તમામ ૭,૬૭૭ ઉમેદવારોના ગુણ બેઠક ક્રમાંક મુજબ પરિશિષ્ટ-અ (Annexure-A) માં દર્શાવીને યાદી ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
માર્ક્સની ગણતરી કેવી રીતે થઈ?
મંડળે લીધેલી આ MCQ-CBRT પરીક્ષાના પ્રશ્નપત્રમાં બે ભાગ હતા:
- પાર્ટ-A: આ ભાગમાં કુલ ૬૦ પ્રશ્નો પૂછાયા હતા. ૬૦ ગુણ મુજબ દરેક સાચા જવાબ માટે +૧.૦૦ માર્ક આપવામાં આવ્યો છે, જ્યારે દરેક ખોટા જવાબ માટે -૦.૨૫ માર્ક કાપવામાં આવ્યા છે.
- પાર્ટ-B: આ ભાગમાં કુલ ૧૫૦ પ્રશ્નો પૂછાયા હતા. તેમાંથી ૧ પ્રશ્ન રદ થયો હોવાથી બાકી રહેલા ૧૪૯ પ્રશ્નોના કુલ ૧૫૦ ગુણ ગણવામાં આવ્યા છે. આથી દરેક સાચા જવાબ માટે +૧.૦૦૬૭૧ માર્ક આપવામાં આવ્યા છે અને દરેક ખોટા જવાબ માટે -૦.૨૫૧૬૮ માર્ક કાપવામાં આવ્યા છે.
ઉમેદવારો પાસેથી મંગાવેલા વાંધા-સૂચનો અને નિષ્ણાતો પાસે કરાવેલી ચકાસણી બાદ ફાઈનલ આન્સર કી ધ્યાને લઈને આ ગુણ નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવારો મંડળની વેબસાઇટ પર જઈને પોતાનો કન્ફર્મેશન નંબર અને રોલ નંબર જોઈને પાર્ટ-A, પાર્ટ-B અને કુલ મેળવેલા માર્ક્સ ચકાસી શકે છે.



