GSSSB CCE: વર્ગ-૩ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ૧૨ ઓક્ટોબર સુધી વાંધા રજૂ કરી શકાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ-૩ CCE પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દીધી છે, ઉમેદવારો ૧૨ ઓક્ટોબર સુધી ઓનલાઇન વાંધા નોંધાવી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ-૩ CCE પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ ઓનલાઇન મૂકી દીધી છે. ઉમેદવારો ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી પોતાના વાંધા-સૂચનો પુરાવા સાથે ઓનલાઇન નોંધાવી શકશે.
જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫૨૬ હેઠળ "ગુજરાત ગૌણ સેવા" વર્ગ-૩ (ગૃપ-A અને ગૃપ-B) સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) અંતર્ગત પ્રાથમિક પરીક્ષા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન કમ્પ્યુટર આધારિત (MCQ-CBRT) પદ્ધતિથી લેવાઈ હતી. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો મંડળની લિંક પર જઈને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે.
વાંધા રજૂ કરવાના નિયમો અને છેલ્લી તારીખ
પ્રોવિઝનલ આન્સર કીના કોઈ જવાબ સામે વાંધો હોય તો ઉમેદવારે ૫ ઓક્ટોબર ૨૦૨૬ના રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ના રાત્રે ૧૧:૫૫ વાગ્યા સુધીમાં ઓનલાઇન રજૂઆત કરવાની રહેશે. વાંધા માત્ર ઓનલાઇન જ સ્વીકારાશે, અન્ય કોઈ માધ્યમથી મોકલેલા વાંધા ધ્યાને લેવાશે નહીં.
ઉમેદવારોએ વાંધા નોંધાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- માત્ર પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો જ વાંધા-સૂચન રજૂ કરી શકશે.
- ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા રજૂ કરી શકે છે.
- રિસ્પોન્સ શીટમાં દર્શાવેલા ક્વેશ્ચન આઈડી (Question ID) અને આન્સર આઈડી (Answer ID) પ્રમાણે વાંધા સબમિટ કરવાના રહેશે.
- વાંધા સાથે માત્ર અધિકૃત, પ્રમાણિત અને વિશ્વાસનીય દસ્તાવેજી આધાર-પુરાવા જ માન્ય ગણાશે.
- ChatGPT, Gemini, Grok જેવા AI સાધનો, ગૂગલ સર્ચ કે અન્ય વેબસાઇટ્સ પરથી લીધેલી માહિતી કે લિંક્સને આધાર તરીકે માન્ય ગણવામાં આવશે નહીં. આધાર-પુરાવા વગરના વાંધા રદ થશે.
વાંધા કેવી રીતે નોંધાવવા?
વાંધા નોંધાવવા માટે ઉમેદવારે પોર્ટલ પર લોગિન કર્યા પછી 'Objection Form' પર જવાનું રહેશે. ત્યાં '+' ચિહ્ન પર ક્લિક કરીને Question ID પસંદ કરવાનો રહેશે.
જો કોઈ પ્રશ્નમાં એક કરતાં વધુ જવાબ સાચા હોવાની રજૂઆત હોય, તો 'Type of Objection'માં જઈને તે વિકલ્પ પસંદ કરી શકાશે. પુરાવા તરીકે પુસ્તકનું નામ, પાના નંબર, લેખકનું નામ, પ્રકાશકનું નામ-સરનામું અને પ્રકાશનનું વર્ષ લખવું પડશે. સાથે 400 KB સુધીની વંચાય તેવી PDF, JPG કે JPEG ફાઇલ અપલોડ કરવાની રહેશે. એક પ્રશ્ન માટે વધુમાં વધુ ત્રણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે.
આ અંગેની વિગતવાર માહિતી અને સૂચનાઓ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર નોટિસ પર જોઈ શકે છે.



