સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

3 ઑક્ટોબર

રિઝલ્ટ

GSSSB CCE: વર્ગ-૩ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ૫ ઓક્ટોબરે થશે જાહેર, મંડળે આપી વિગત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ CCE પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ ૫ ઓક્ટોબરે મોડી રાત સુધીમાં વેબસાઇટ પર જાહેર કરશે.

ચિત્રાત્મક રજૂઆત: કમ્પ્યુટર સ્ક્રીન પર પરીક્ષાની આન્સર કી અને રિસ્પોન્સ શીટ જોતો ઉમેદવાર
ચિત્ર: AI

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫૨૬ હેઠળ લેવાયેલી વર્ગ-૩ CCE પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ બાબતે મહત્વની જાહેરાત કરી છે. આ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK) કમ રિસ્પોન્સ શીટ ૫ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ મોડી રાત સુધીમાં મંડળની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે.

"ગુજરાત ગૌણ સેવા" વર્ગ-૩ સંવર્ગ (ગૃપ-A અને ગૃપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) અંતર્ગત પ્રાથમિક પરીક્ષા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન કમ્પ્યુટર આધારિત (MCQ-CBRT) પદ્ધતિથી લેવામાં આવી હતી.

પ્રશ્નો અને જવાબોની ચકાસણી ચાલુ

મંડળે જણાવ્યા મુજબ જુદી જુદી શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નપત્રોના પ્રશ્નોની સચોટતા, રચના, વિકલ્પોની સુસંગતતા, સાચા ઉત્તરો અને વિષયવસ્તુની પ્રાથમિક ચકાસણી વિષય નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા કરવામાં આવી રહી છે.

આ ચકાસણી પાછળનો હેતુ ઉમેદવારોને મળનારી પ્રોવિઝનલ આન્સર કી શક્ય તેટલી ભૂલ વગરની અને ચોક્કસ મળી રહે તેવો છે, જેથી ઉમેદવારો તરફથી આવતા વાંધા-સૂચનો ઓછા થાય અને સમગ્ર ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય.

પરીક્ષા આપનારા ઉમેદવારો સોમવારે મોડી રાત સુધીમાં ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાની રિસ્પોન્સ શીટ અને આન્સર કી જોઈ શકશે.