IBPS RRB ભરતી: ઓનલાઈન ફોર્મ સુધારવા ૭ અને ૮ ઓક્ટોબરે એડિટ વિન્ડો ખૂલશે, ૨૦૦ રૂપિયા ફી રહેશે
ગ્રામીણ બેંકોમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર્સ ભરતીના ઓનલાઈન ફોર્મમાં સુધારા માટે ૭ અને ૮ ઓક્ટોબર એમ બે દિવસ એડિટ વિન્ડો ખૂલશે. ઉમેદવારો ૨૦૦ રૂપિયા ફી ભરીને વિગતો સુધારી શકશે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા ગ્રામીણ બેંકોમાં ભરતી (CRP RRBs XV) માટે ભરેલા ઓનલાઈન ફોર્મમાં ભૂલ સુધારવા ૨ દિવસની એડિટ વિન્ડો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારોએ નિયત સમયમાં ફી ભરીને સફળતાપૂર્વક ફોર્મ સબમિટ કર્યું હોય, તેઓ ૭ ઓક્ટોબર ૨૦૨૬થી ૮ ઓક્ટોબર ૨૦૨૬ સુધી પોતાના ફોર્મમાં સુધારો કરી શકશે.
આ ભરતી પ્રક્રિયા પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિપર્પઝ) અને ઓફિસર્સ (સ્કેલ-૧, ૨ અને ૩) ની જગ્યાઓ માટે ચાલી રહી છે. IBPS એ ૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ અંગે મહત્વની નોટિસ બહાર પાડી છે.
આ વિગતો નહીં બદલી શકાય
નોટિસ મુજબ ઉમેદવારે મૂળ અરજીમાં ભરેલી કેટલીક વિગતોમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં:
- નામ (Name)
- ઇમેઇલ આઇડી (Email ID)
- મોબાઈલ નંબર (Mobile Number)
- ખાલી જગ્યા માટે પસંદ કરેલું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ (State/UT field in vacancy)
- પત્રવ્યવહારના સરનામા અને કાયમી સરનામાનું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ (State/UT in Correspondence and Permanent address)
- હોદ્દો કે પોસ્ટ (Post)
- રાષ્ટ્રીયતા (Nationality)
કેટેગરી સુધારવા અંગેના નિયમો
કેટેગરીમાં ફેરફાર માટે અમુક ચોક્કસ નિયમો લાગુ પડશે:
- પહેલાં SC, ST અથવા PwBD કેટેગરી પસંદ કરી હોય તો તે ફક્ત SC, ST અથવા PwBD માં જ બદલી શકાશે.
- સામાન્ય (GEN), EWS કે OBC (NCL) કેટેગરી પસંદ કરી હોય તો તેને GEN, EWS, OBC (NCL), SC, ST કે PwBD માં બદલી શકાશે.
- જો કોઈ ઉમેદવાર GEN, EWS કે OBC માંથી SC, ST અથવા PwBD માં કેટેગરી બદલશે, તો અગાઉ ભરેલી અરજી ફી પાછી નહીં મળે.
૨૦૦ રૂપિયા ફી અને ફક્ત એક જ તક
ફોર્મ સુધારવા માટે ઉમેદવારે ૨૦૦ રૂપિયા (જીએસટી સાથે) સુધારા ફી ચૂકવવી પડશે. આ ફી તમામ કેટેગરીના ઉમેદવારો માટે એકસરખી રહેશે. એક વાર ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત મળશે નહીં કે બીજી કોઈ પરીક્ષા સામે એડજસ્ટ નહીં થાય.
ઉમેદવાર આ એડિટ વિન્ડો દરમિયાન માત્ર એક જ વાર સુધારેલું ફોર્મ સબમિટ કરી શકશે. તેથી ફોર્મ જમા કરતાં પહેલાં દરેક વિગત બરાબર ચકાસી લેવી જરૂરી છે. જો કોઈ ઉમેદવારે એક કરતાં વધુ અરજીઓ કરી હોય, તો છેલ્લી અરજીમાં જ સુધારો કરવાની સલાહ આપવામાં આવી છે. લાગુ પડતી ફી ભર્યા પછી જે છેલ્લી સુધારેલી અરજી હશે તે જ માન્ય ગણાશે.
૮ ઓક્ટોબર ૨૦૨૬ પછી ફોર્મમાં સુધારા અંગે કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં. વધુ વિગત માટે ઉમેદવારો IBPS ની સત્તાવાર નોટિસ જોઈ શકે છે. કોઈ પ્રશ્ન કે ફરિયાદ હોય તો ઉમેદવારો સત્તાવાર પોર્ટલ cgrs.ibps.in પર સંપર્ક કરી શકે છે.



