ઇન્ડિયન ઓઇલમાં ૩૩૫ એપ્રેન્ટિસ પદો પર ભરતી: પરીક્ષા વગર સીધી પસંદગી, ૪ નવેમ્બર સુધી કરો ઓનલાઇન અરજી
IOCL પશ્ચિમ ક્ષેત્રમાં ટેકનિશિયન, ટ્રેડ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ૩૩૫ જગ્યાઓ માટે ૪ નવેમ્બર ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ભરતી માટે કોઈ પરીક્ષા કે ફી નથી.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના માર્કેટિંગ ડિવિઝને પશ્ચિમ ક્ષેત્ર (વેસ્ટર્ન રીજન) માટે ૩૩૫ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીના ઉમેદવારો અરજી કરી શકશે. ૫ ઓક્ટોબર ૨૦૨૬થી ઓનલાઇન અરજી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ નવેમ્બર ૨૦૨૬ સાંજે ૫:૦૦ વાગ્યા સુધીની છે.
ભરતી માટે કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં, સીધા મેરિટના આધારે જ પસંદગી થશે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ અને લાયકાત?
કુલ ૩૩૫ જગ્યાઓ માટે વિવિધ ટ્રેડ અને ડિગ્રી મુજબ લાયકાત નક્કી કરવામાં આવી છે:
- ટેકનિશિયન એપ્રેન્ટિસ: મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ૩ વર્ષનો રેગ્યુલર ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ (ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ, અનામત વર્ગ માટે ૪૫%).
- ટ્રેડ એપ્રેન્ટિસ (ITI): ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અને મશિનિસ્ટ ટ્રેડમાં ૧૦મું પાસ અને ૨ વર્ષનો રેગ્યુલર NCVT/SCVT માન્ય ITI કોર્સ.
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ફુલ ટાઇમ BA, B.Com, B.Sc કે BBA ની ડિગ્રી (ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ, અનામત વર્ગ માટે ૪૫%).
- ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO): ધોરણ ૧૨ પાસ (ગ્રેજ્યુએટ ન હોવા જોઈએ). સ્કિલ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો પાસે કેન્દ્ર સરકાર માન્ય ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
ગુજરાત માટે ટેકનિશિયન એપ્રેન્ટિસની ૧૭, ટ્રેડ એપ્રેન્ટિસની ૮, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ૨૯ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ૩ મળીને કુલ ૫૭ જગ્યાઓ ફાળવેલી છે.
ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન પદો માટે ઉમેદવારે ૧ એપ્રિલ ૨૦૨૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે ડિગ્રી કે ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ. ટ્રેડ એપ્રેન્ટિસ અને DEO માટે ૧ એપ્રિલ ૨૦૨૨થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે પાસ થયેલા હોવા જરૂરી છે.
BE, B.Tech, MBA, MCA, CA કે LLB જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં.
વય મર્યાદા અને સ્ટાઇપેન્ડ
- ઉમેદવારની ઉંમર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૪ વર્ષ હોવી જોઈએ.
- એસસી/એસટી ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૫ વર્ષની અને ઓબીસી (નોન-ક્રીમીલેયર) ઉમેદવારોને ૩ વર્ષની છૂટછાટ મળશે. દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ ૧૦ વર્ષની છૂટ મળશે.
- એપ્રેન્ટિસશિપની તાલીમનો સમયગાળો ૧૨ મહિનાનો રહેશે. તાલીમ દરમિયાન એપ્રેન્ટિસ એક્ટ મુજબ નિયમિત માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
અરજી ફી અને પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે કોઈપણ કેટેગરીના ઉમેદવારે કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. અરજી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવશે નહીં. ઉમેદવારે મેળવેલા માર્ક્સના ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ બનશે. મેરિટમાં આવતા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારોએ ૪ નવેમ્બર ૨૦૨૬ સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ITI અને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે NAPS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. તેમાં IOCL એસ્ટાબ્લિશમેન્ટ આઈડી
E01172700332શોધીને એપ્લાય કરવાનું રહેશે. - ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારોએ NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી IOCL એસ્ટાબ્લિશમેન્ટ આઈડી
WMHMCC000053શોધીને એપ્લાય કરવાનું રહેશે. - ઉમેદવાર ફક્ત એક જ ડિસિપ્લિન કોડ માટે અરજી કરી શકશે. એક કરતાં વધુ કોડમાં અરજી કરનારનું ફોર્મ રદ થશે.
ભરતી અંગેની વિગતવાર માહિતી અને શરતો જોવા માટે સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો. વધુ વિગતો કંપનીની અધિકૃત વેબસાઇટ iocl.com પરથી પણ જાણી શકાશે.



