GSSSB લેબોરેટરી આસિસ્ટન્ટ: ૧૦,૦૯૯ અરજીપત્રકો રદ, મંડળે સત્તાવાર લિસ્ટ જાહેર કર્યું
ગૌણ સેવા મંડળે જાહેરાત ક્રમાંક ૩૨૭/૨૦૨૫૨૬ હેઠળ લેબોરેટરી આસિસ્ટન્ટ સંવર્ગમાં ફી ન ભરવા અને ડુપ્લીકેટ અરજીના કારણસર ૧૦,૦૯૯ અરજીપત્રકો રદ કર્યા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની ભરતી પ્રક્રિયામાં ફી ન ભરવા અને ડુપ્લીકેટ ફોર્મ ભરવાના કારણસર કુલ ૧૦,૦૯૯ અરજીપત્રકો રદ કરવામાં આવ્યા છે. મંડળે પોતાની સત્તાવાર વેબસાઇટ પર રદ થયેલી તમામ અરજીઓની વિગતવાર યાદી જાહેર કરી દીધી છે.
જાહેરાત ક્રમાંક ૩૨૭/૨૦૨૫૨૬ હેઠળ લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગમાં ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીપત્રકોની ચકાસણી દરમિયાન ધ્યાને આવ્યું હતું કે ઘણા ઉમેદવારોએ એક કરતાં વધુ વખત અરજીઓ કરી હતી, જ્યારે કેટલાક ઉમેદવારોએ નિયત પરીક્ષા ફી ભરી નહોતી.
કયા કારણોસર કેટલી અરજીઓ રદ થઈ?
મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી ૧૮૧ પાનાંની યાદી મુજબ:
- ડુપ્લીકેટ અરજીઓ: એક કરતાં વધુ વખત રજીસ્ટ્રેશન કરાવવાના કારણે શરૂઆતના ૪૧૨ ઉમેદવારોના વધારાના અરજીપત્રકો રદ કરાયા છે.
- પરીક્ષા ફી ન ભરાઈ હોવાના કારણે: બાકીના ૯,૬૮૭ અરજીપત્રકોમાં નિયત પરીક્ષા ફી જમા ન થઈ હોવાથી મંડળે અરજીઓ અમાન્ય ગણી છે.
આમ, કુલ ૧૦,૦૯૯ અરજીઓ રદ થતાં હવે બાકી રહેલા માન્ય ઉમેદવારો જ આગામી પરીક્ષામાં બેસી શકશે.
વેબસાઇટ પર યાદી કેવી રીતે તપાસવી?
જે ઉમેદવારોએ લેબોરેટરી આસિસ્ટન્ટ પદ માટે ફોર્મ ભર્યું હોય તેઓ ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર યાદી પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર અને નામ સર્ચ કરીને ચકાસી શકે છે.
મંડળે અગાઉ આ સંવર્ગની કમ્પ્યુટર આધારિત પરીક્ષા ૨૪ અને ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજવાની જાહેરાત કરેલી છે. તેથી ઉમેદવારો પોતાની અરજી રદ થયેલી યાદીમાં નથી ને તે ચકાસી લે તે જરૂરી છે.



