GSSSB વર્ગ-૩ ગૃપ-A મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, ૨૮ અને ૨૯ નવેમ્બરે લેવાશે પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫૨૬ની વર્ગ-૩ ગૃપ-A મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, ૨૮ અને ૨૯ નવેમ્બરે ત્રણ પેપર લેવાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫૨૬ અંતર્ગત ગૃપ-Aની મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરી દીધી છે. આ મુખ્ય પરીક્ષા ૨૮ અને ૨૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ યોજાશે.
મંડળ તરફથી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ ભરતીની પ્રાથમિક પરીક્ષા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન લેવામાં આવી હતી. હવે ગૃપ-A માટે ત્રણ વર્ણનાત્મક (Descriptive) પેપરની મુખ્ય પરીક્ષા લેવાશે.
મુખ્ય પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ
ગૃપ-A ની મુખ્ય પરીક્ષા બે દિવસમાં કુલ ત્રણ પેપરમાં લેવાશે:
- પેપર-૧ (ગુજરાતી ભાષા કૌશલ્ય): ૨૮ નવેમ્બર ૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી (૧૦૦ ગુણ, ૩ કલાક)
- પેપર-૨ (અંગ્રેજી ભાષા કૌશલ્ય): ૨૮ નવેમ્બર ૨૦૨૬, બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી (૧૦૦ ગુણ, ૩ કલાક)
- પેપર-૩ (જનરલ સ્ટડીઝ): ૨૯ નવેમ્બર ૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી (૧૫૦ ગુણ, ૩ કલાક)
પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ
મંડળે જણાવ્યા અનુસાર, સરકારના ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના જાહેરનામા મુજબનો અભ્યાસક્રમ લાગુ રહેશે:
- પેપર-૧ (ગુજરાતી): ૧૦૦ ગુણનું વર્ણનાત્મક પેપર રહેશે, જેમાં ૧૫ ગુણનો નિબંધ (આશરે ૨૫૦ શબ્દો), ૧૦ ગુણનો વિચાર વિસ્તાર, ૧૦ ગુણનું સંક્ષેપીકરણ, ૧૦ ગુણની ગદ્ય સમીક્ષા, ૫ ગુણનું પ્રચાર માધ્યમો માટે નિવેદન, ૫ ગુણનું પત્ર લેખન, ૧૦ ગુણનું ચર્ચાપત્ર, ૧૦ ગુણનો અહેવાલ લેખન, ૧૦ ગુણનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર અને ૧૫ ગુણનું ગુજરાતી વ્યાકરણ પૂછાશે.
- પેપર-૨ (અંગ્રેજી): ૧૦૦ ગુણનું વર્ણનાત્મક પેપર અંગ્રેજી માધ્યમમાં રહેશે. જેમાં ૧૫ ગુણનો એસે (નિબંધ), ૧૦ ગુણનું લેટર રાઇટિંગ, ૧૦ ગુણનું રિપોર્ટ રાઇટિંગ, ૧૦ ગુણનું વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ, ૫ ગુણનું ફોર્મલ સ્પીચ, ૫ ગુણનું પ્રેસી રાઇટિંગ, ૨૦ ગુણનું રીડિંગ કોમ્પ્રીહેન્શન, ૨૦ ગુણનું અંગ્રેજી ગ્રામર અને ૫ ગુણનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર સામેલ છે.
- પેપર-૩ (જનરલ સ્ટડીઝ): ૧૫૦ ગુણનું ગુજરાતી માધ્યમનું આ પેપર રહેશે. તેમાં કુલ ૫૬ પ્રશ્નો પૂછાશે, જેમાં ભારતનો ઇતિહાસ (૧૫ ગુણ), સાંસ્કૃતિક વારસો (૧૫ ગુણ), ભૂગોળ (૧૫ ગુણ), વિજ્ઞાન અને ટેકનોલોજી (૧૦ ગુણ), પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ (૩૦ ગુણ), ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ (૨૦ ગુણ), જાહેર વહીવટ અને શાસન (૨૦ ગુણ), જાહેર સેવાઓમાં નીતિશાસ્ત્ર (૧૦ ગુણ) અને ભારતીય અર્થતંત્ર તથા આયોજન (૧૫ ગુણ)ના પ્રશ્નો રહેશે.
પરીક્ષા અંગેની વધુ વિગતો અને સત્તાવાર સૂચના ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર લિંક પર જોઈ શકાશે. ઉમેદવારો મંડળની વેબસાઇટ gsssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in પર નિયમિત અપડેટ ચકાસતા રહે.



