ભાવનગર મહાનગરપાલિકામાં ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ વર્ગ-૨ની ભરતી: ૨૦ ઑક્ટોબર સુધી ભરાશે ફોર્મ
ભાવનગર મહાનગરપાલિકામાં ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ વર્ગ-૨ની ભરતી જાહેર થઈ છે. ઓજસ પોર્ટલ પર ૨૦ ઑક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ભાવનગર મહાનગરપાલિકામાં ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ વર્ગ-૨ની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓજસ (OJAS) પોર્ટલ પર ૨૦ ઑક્ટોબર ૨૦૨૬ સુધી અરજી કરી શકશે.
આ ભરતી અંતર્ગત બિનઅનામત કેટેગરીમાં ૧ જગ્યા ભરવાની છે. પસંદગી પામનાર ઉમેદવારને બે વર્ષના પ્રોબેશન સમયગાળા બાદ સાતમા પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૯ (રૂ. ૫૩,૧૦૦ થી રૂ. ૧,૬૭,૮૦૦) નો પગાર સ્કેલ મળશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- માન્ય યુનિવર્સિટીમાંથી બી.ઈ. (એગ્રીકલ્ચર / હોર્ટીકલ્ચર) અથવા એગ્રીકલ્ચર / હોર્ટીકલ્ચરમાં પદવી મેળવેલી હોવી જોઈએ.
- સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમ કે કંપની એક્ટ ૨૦૧૩ હેઠળ નોંધાયેલી કંપનીમાં લગત કામગીરીનો ૩ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ નિયત શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછીનો જ ગણવામાં આવશે.
- કમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી છે.
વયમર્યાદા
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિયમો મુજબ અનામત અને મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે, જોકે કોઈ પણ સંજોગોમાં મહત્તમ ઉંમર ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમર બાદ લાગુ પડશે નહીં, પરંતુ મહત્તમ વયમર્યાદા ૫૮ વર્ષની રહેશે.
અરજી ફી અને પ્રક્રિયા
- બિનઅનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૧,૦૦૦ ફી ભરવાની રહેશે.
- અનામત વર્ગના ઉમેદવારો માટે ફી રૂ. ૫૦૦ નક્કી કરવામાં આવી છે.
- ફી ઉપરાંત પોસ્ટલ સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
- ઉમેદવારોએ પ્રિન્ટેડ ચલણ મેળવીને નજીકની પોસ્ટ ઓફિસમાં ૨૨ ઑક્ટોબર ૨૦૨૬ સુધીમાં ફી જમા કરાવવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી?
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS પોર્ટલ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ઓનલાઇન અરજી ૫ ઑક્ટોબર ૨૦૨૬ના બપોરે ૧૪:૦૦ વાગ્યાથી શરૂ થઈ છે અને ૨૦ ઑક્ટોબર ૨૦૨૬ના રાત્રે ૨૩:૫૯ વાગ્યા સુધી ભરી શકાશે. અરજી કન્ફર્મ થયા બાદ જ માન્ય ગણાશે, તેથી કન્ફર્મેશન નંબર મેળવીને અરજીપત્રકની પ્રિન્ટ સાચવી રાખવી. ભરતી અંગેની વધુ માહિતી ભાવનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે.



