સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

6 ઑક્ટોબર

નોકરી

ગૌણ સેવા મંડળ: સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશ માટે અરજી તથા પ્રમાણપત્ર અપલોડની મુદત લંબાઈ

ગૌણ સેવા મંડળે સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશ વર્ગ-૩ની મુખ્ય પરીક્ષા માટે અરજી અને દસ્તાવેજ અપલોડ કરવાની મુદત ૭ ઓક્ટોબર સુધી વધારી છે.

ચિત્રાત્મક રજૂઆત: લેપટોપ અને દસ્તાવેજો સાથે બેઠેલો ઉમેદવાર
ચિત્ર: AI

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશ (વર્ગ-૩)ની મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા અને પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ લંબાવી છે. જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ લાયક ઠર્યા છે, તેઓ હવે ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી અરજી અને દસ્તાવેજો અપલોડ કરી શકશે.

મંડળની જાહેરાત ક્રમાંક ૩૨૬/૨૦૨૫૨૬ હેઠળ અગાઉ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના બપોરે ૨:૦૦ વાગ્યાથી ૪ ઓક્ટોબર ૨૦૨૬ના રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ઉમેદવારોના હિતને ધ્યાને રાખીને આ મુદત વધારવામાં આવી છે. નવી તારીખ મુજબ ૫ ઓક્ટોબર ૨૦૨૬ના સાંજે ૬:૦૦ વાગ્યાથી ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી પોર્ટલ પર ઓનલાઇન અરજી અને પ્રમાણપત્રો અપલોડ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

આ બાબતે ગૌણ સેવા પસંદગી મંડળે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરેલી અગાઉની જાહેરાતની બાકીની તમામ સૂચનાઓ યથાવત રહેશે. ઉમેદવારો વિગતવાર માહિતી માટે મંડળની સત્તાવાર જાહેરાત જોઈ શકે છે તેમજ વખતોવખતની સૂચનાઓ માટે મંડળની વેબસાઇટ જોતા રહેવું.