સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: સેમ ૧ અને ૩ની પ્રેક્ટિકલ પરીક્ષા ૮થી ૨૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે
મેડિકલ સિવાયના સ્નાતક કોર્સના રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ માટે કોલેજ કક્ષાએ પ્રેક્ટિકલ લેવાશે; ગુણની ઓનલાઇન એન્ટ્રી ૨૫ ઓક્ટોબર સુધી થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના વિવિધ કોર્સની સેમેસ્ટર ૧ અને ૩ની પ્રેક્ટિકલ તથા પ્રોજેક્ટ વાઇવા પરીક્ષાની તારીખો જાહેર કરી છે. વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ સત્રના રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ માટે કોલેજ કક્ષાએ આ પરીક્ષાઓ ૮ ઓક્ટોબર ૨૦૨૬થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાશે.
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડીને સંલગ્ન કોલેજોને સૂચના આપી છે. આ કાર્યક્રમ વર્ષ ૨૦૨૦-૨૧થી અમલમાં આવેલા NEP અભ્યાસક્રમ અંતર્ગત સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ના તમામ રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓ માટે લાગુ થશે. મેડિકલ અને પેરામેડિકલ સિવાયની તમામ વિદ્યાશાખા જેવી કે આર્ટ્સ, સોશ્યલ સાયન્સ એન્ડ હ્યુમિનીટીઝ, સાયન્સ, વાણિજ્ય, કોમ્પ્યુટર સાયન્સ, લાઈફ સાયન્સ, મેનેજમેન્ટ, હોમ-સાયન્સ, કાયદા અને ગ્રામવિદ્યાના સ્નાતક કોર્સ માટે આ વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત વાણિજ્ય વિદ્યાશાખાના સેમેસ્ટર ૫ના 'ડિજિટલ એકાઉન્ટિંગ યુઝિંગ ટેલી-૧' (23CM-BCOM-MA-05-12001) વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા પણ આ જ સમયગાળામાં કોલેજે ગોઠવવાની રહેશે.
માર્ક્સની ઓનલાઇન એન્ટ્રી ૨૫ ઓક્ટોબર સુધી
કોલેજોએ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ વાઇવા પરીક્ષા ૮ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં પૂરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓના માર્ક્સની ઓનલાઇન એન્ટ્રી ૮ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં યુનિવર્સિટીના પોર્ટલ પર કરવાની રહેશે.
રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક ગુણની એન્ટ્રી exam.saurashtrauniversity.edu પર યુઝર મેન્યુઅલ મુજબ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓની સીટ નંબરની યાદી કોલેજને ન મળી હોય, તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના નામ અને એનરોલમેન્ટ નંબરના આધારે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે.
વિગતવાર માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સત્તાવાર પરિપત્ર જોઈ શકાશે.



